સવાર પડી.

સૂરજદાદાએ આભને અજવાળ્યું.

હસતા-હસતા સૂરજદાદા બોલ્યા, ‘જાગો મારા બાળ.’

પશુ જાગ્યાં, પંખી જાગ્યાં. દાદી જાગ્યાં, દાદા જાગ્યા. મમ્મી જાગી, પપ્પા જાગ્યા. પણ… જાગે ના શિવુભાઈ.

રમકડાની ટોપલીએ ગાયું ગીત,

 

શિવુભાઈ શિવુભાઈ જાગો,

રમકડાં રમવા લાગો.

પણ શિવુ જાગે ના.

 

પછી તો ટોપલીમાંથી આવ્યા બંદરમામા. એમણે ગાયું ગીત,

 

શિવુભાઈ શિવુભાઈ જાગો,

દૂધ પીવા માગો.

 

પણ શિવુભાઈ જાગે તો ને! ત્યાં તો આવ્યો મોર. કળા કરતો ગાવા લાગ્યો.

 

શિવુભાઈ હવે તો જાગો,

તમને બોલાવે કાગો.

 

તોપણ શિવુભાઈ તો જાગ્યા નહીં. થાકીને કા…કા…કા કરતો કાગડો ઊડી ગયો. કંટાળીને મોર પણ જતો રહ્યો. આવું જોઈને ગુસ્સો કરતાં સૂરજદાદા થયા લાલચોળ. પછી તો એ,

 

આગળ ભાગ્યા, પાછળ ભાગ્યા,

વાદળ પણ કરગરવા લાગ્યા.

આવળ ભાગ્યા, બાવળ ભાગ્યા,

શિવુભાઈ ઝબકીને જાગ્યા.

 

શિવુભાઈ પરસેવે રેબઝેબ! એ અકળાઈને બોલ્યા, ‘સૂરજદાદા, સૂરજદાદા આટલી ગરમી કેમ કરો છો?’

 

હસતા—હસતા સૂરજદાદા બોલ્યા, ‘શિવુભાઈ, બહુ મોડા ન ઉઠાય હોં.’

 

‘કોણે કહ્યું કે હું મોડો ઊઠું છું?”

 

‘જો શિવમ, રમકડાંની ટોપલીએ તને જગાડ્યો. પછી વાંદરાભાઈએ જગાડ્યો. વાંદરાભાઈએ કહ્યું મોરને. મોર અને કાગડાએ પણ તને જગાડ્યો. મોરે કહ્યું વાદળોને. વાદળોએ કહ્યું મને. પછી મને થયું કે શિવુભાઈ મોડા જાગે એમ ન ચાલે. હું તો રોજ ઊઠીને ગાઉં છું,

 

આભે સોનાની પાળ,

તમે જાગો મારા બાળ.’

 

પછી પણ તું ન જાગે… હું ગરમી કરું તોપણ તને ન ગમે. પછી મારે કરવું શું?’

 

‘સૂરજદાદા, હવે તમારે કશું કરવાનું નથી. જે કરવાનું છે તે હું કરીશ.’

 

હું જાગું વહેલો-વહેલો,

ને લાવું નંબર પહેલો.

 

શિવમને આવું સરસ ગીત ગાતો જોઈ સૂરજદાદા હરખાઈને ઠંડા પડ્યા.