ચાંદ-સૂરજ વાતે ચડ્યા.
વાત વાતમાં ખૂબ લડ્યા.
સૂરજદાદાએ ગરમી બતાવી, ‘ઓય ઠરેલા. દૂધે ભરેલા.’
ચાંદામામા બોલ્યા, ‘અલા ઓય… ગરમીના ભરેલા, લાલચોળ તપેલા.’
ધરતીમાતા એ જોઈને બોલ્યાં, ‘આવું કોઈને કંઈ બોલાય નહીં.
ત્યાં તો ચાંદામામાએ કહ્યું, ‘મારી પાસે આટલા બધા તારા છે. ગણ્યા ગણાય નહીં ને વીણ્યા વીણાય નહીં. હું તો એમની સાથે આભમાં રમીશ.”
આવું સાંભળીને ધરતીમાતા બોલ્યાં, ‘કંઈ એકલા એકલા રમાય? એમાં કંઈ મજા આવે નહીં.’ પણ ધરતીમાતાની વાત કોઈએ સાંભળી નહીં.
રીસે ભરાયેલા સૂરજદાદા બોલ્યા, ‘એમાંથી અડધા તારલિયા મારા છે.’
ચાંદામામા ચિડાયા, ‘ના… ના… નહીં આપું જા.’
સૂરજદાદાએ કહ્યું, ‘અડધું આભલું મારું ને અડધું આભલું તારું. તો અડધા તારલિયા પણ મારા ખરા ને? મને નહીં આપે તો… ગરમી કરું ભારે.’
એમ કંઈ ચાલે? વહેંચણી તો સરખે ભાગે જ કરવી પડે ને? વળી એ કરી આપે કોણ? સૂરજદાદાએ કિરણોને મોકલ્યાં
પૃથ્વી ઉપર. ચાંદામામાએ ચાંદનીને મોકલી આપી. બન્નેની ફરિયાદ સાંભળી ધરતીમા બોલ્યાં,
આભમાં રાતે હરજો-ફરજો,
ચાંદામામા ખુશ રહેજો.
વાત સાંભળી ચાંદામામા મરક—મરક મલક્યા. પણ સૂરજદાદાએ રિસાઈને કાઢી આંખો.
એ જોતાં ધરતીમા બોલ્યાં,
દહાડે આભે હરજો—ફરજો,
સૂરજદાદા ખુશ રહેજો.
સૂરજદાદા રાજી-રાજી થતા બોલ્યા, ‘વાહ ભાઈ વાહ… મા હોય કેવી? સરખા ભાગ પાડી આપે તેવી!’
પછી તો ચાંદો-સૂરજ થયા રાજી—રાજી. દિવસે સૂરજદાદા આખા આભમાં મ્હાલે છે. ને રાત્રે મ્હાલે ચાંદામામા. એ જોતાં બાળકો ગાય છે ગીત…
દિવસે આવે સૂરજદાદા
અજવાળાં બહુ લાવે છે.
રાત્રે આવે ચાંદામામા
તારલિયા ટમકાવે છે.
Leave A Comment