એક હતું ઊંટ. તે ખૂબ સુંદર દેખાતું હતું. એનું અભિમાન ભારે. વાતે-વાતે એ સહુને ઉતારી પાડે. એમ ને એમ એ કજિયાળું બની બેઠું. લીમડાના ઝાડ પાસે એ ઊભું રહે. નાનાં—નાનાં છોકરાંઓને જોઈને પણ એ બબડે. જેને ને તેને કારણ વિના લાત લગાવે.

 

લીમડો કહે, ‘ઊંટભાઈ, વગર વાંકે કોઈને મરાય ના. આમ ખોટા કજિયા ક્યારેય કરાય ના.’

 

ઊંટ કહે, ‘આ મારી વાત છે. કોઈની વાતમાં આમ ડબડબ કરાય ના.’ ઊંટે ખિજાઈને લીમડાની મોટી ડાળ તોડી નાખી. લીમડો બિચારો શું કરે?

 

એક દિવસ ફરતો-ફરતો ગધેડો ત્યાં આવ્યો. એનું જરાય ધ્યાન નહોતું. ઊંટ ત્યાં ઊભું હતું પણ એના ચાર પગ દેખાયા નહીં. એ તો ઝાડનું થડ સમજીને પીઠ ખણતાં બોલ્યું, ‘હાશ. સારું લાગ્યું.’ એવું સાંભળતાં તો ઊંટ વીફર્યું. ધન ધનાધન… કરતાં ગધેડાને લાતો મારવા લાગ્યું. ગધેડાએ પણ મારી લાત. પરંતુ ઊંટ આગળ એનું ચાલે શું? ગધેડું તો માર ખાઈને ત્યાંથી હોંચી હોંચી કરતું નાઠું.

 

એ જોઈને ઝાડ ઉપર બેઠેલા વાંદરાભાઈ બોલ્યા, ‘આમ જેની ને તેની સાથે લડાય ના. કોઈની સાથે આમ લાતમલાત થાય ના.’

 

પણ ઊંટ કંઈ સાંભળે? એ બોલ્યું, ‘તું તો ચૂપ જ રહેજે.”

 

વાત સાંભળી વનદેવી બોલ્યાં, ‘ખોટા ઝગડા થાય ના.’

 

ઊંટ વીફર્યું, ‘કોઈની વાતમાં આમ વચમાં કૂદી પડાય ના.’

 

કંટાળેલાં વનદેવીએ ગુસ્સે થઈને હાથ ઊંચો કર્યો. કજિયા કરતા ઊંટના હોઠ લબડી પડ્યા. લાતો મારતા પગ લાંબા ને ત્રાંસા થઈ ગયા. પડછાયામાં પોતાનો દેખાવ જોઈને એ ગભરાયું. તે પછી શરમાઈને રણમાં દોડી ગયું.