એક, બે, ત્રણ….વન, ટુ, થ્રી, ફોર…
‘દાદા, આભે જુઓ… કેટલા બધા તારા!’
‘હા, આખું આભ હમણાં જોતજોતામાં ભરાઈ જશે.’
‘તે દાદા, એ તારા ક્યાંથી આવે?’
પણ એનો જવાબ ક્યાં? દાદા બરાબર મુંજાયા. ‘એ તને કાલે કહું. પણ આજે ટમટમની વાત કરું.”
‘ટમટમ… એ વળી શું?”
‘ટમટમ ટમટમ ટમકતા તારાઓ.”
‘વાહ દાદા, એ મને બહુ ગમે. દાદા એને પકડીને હું ખીસામાં મૂકી દઉં. પછી મારા ફ્રેન્ડને બતાવું. મારી સાથે હીંચકો ખાવા લઈ જાઉં. ને દાદા, એને બધી રાઇડ્સમાં પણ બેસાડીશ.’
દાદા કહે, ‘વાહ ભાઈ વાહ… ટમટમ તારો ફ્રેન્ડ બને તો મને બહુ ગમે હોં.’
‘મને પણ બહુ ગમે… આટલું બધું.’ બન્ને હાથ પહોળા કરીને શ્લોક બોલ્યો,
આભનો તારો ફ્રેન્ડ બને તો,
મજા—મજા ભાઈ કેવી મજા!
રોજ રોજ મારી સાથે રમે તો,
મજા—મજા ભાઈ કેવી મજા!
દાદા આમ ગીત ગવરાવતા હતા. ત્યાં શ્લોકને યાદ આવ્યું.
‘દાદા, આપણે પેલા ઘોડા જોવા ગયા હતા ને. એમાં એક ઘોડાનું નામ તારા હતું નહીં? એ ઘોડાનું ગીત તમને સંભળાવું,
ટમટમ તારા તબડક તબડક,
ઘોડા પ્યારા ચમક ચમક.
એ સાંભળીને દાદા હસ્યા, એટલે શ્લોકે પૂછ્યું, ‘દાદા કેમ હસ્યા?’
‘બેટા, તારા ચમકે ને ઘોડો ચાલે તબડક તબડક.’
‘ના દાદા ના, મારી પાસે તારા આવશે તો હું એની સાથે રમીશ તબડક તબડક. પછી હું ઘોડો લાવીશ. એ ઘોડાને રોજ- રોજ ફરવા લઈ જઈશ. એને હું બહુ બધું વ્હાલ કરીશ એટલે એ કરશે ચમક—ચમક.
‘આ તો વળી કેવી મજાની વાત!’ દાદા બોલ્યા.
‘હા દાદા હા…’ કહેતાં એ દોડ્યો. રમકડાંમાંથી ઘોડો લઈ આવ્યો. તો વળી ચમકતો તારો લાવ્યો. ‘દાદા, અત્યારે આ સ્ટાર ઘોડાના કપાળે લગાવી આપો ને.’ દાદા ઊઠ્યા, ફેવિકોલ વડે સ્ટાર ઘોડાના કપાળે ચોંટાડ્યો. એ જોઈ હરખમાં શ્લોક ગાવા લાગ્યો,
મારો ઘોડો ચમક ચમક
ટમટમ તારો, તબડક તબડક.
શ્લોકનું ગીત સાંભળી આભના તારલા હરખાયા. એ જોતાં દાદા બોલ્યા, ‘આ ઘોડા સાથે બધા જીવોને પણ વ્હાલ કરવાનું. એમ કરવાથી ધરતીમા પણ મલકાશે મરક મરક.’
‘દાદા, ચકલી, પોપટ, મોર, કૂતરો—ગાય ને બિલાડી એ બધાંને વ્હાલ કરવાથી હસે? એ સહુ હસે તો મને બહુ ગમે.’
‘તો… તો… સહુ જીવો પ્રત્યે તું વ્હાલ વરસાવજે. એ બધાંય તારી આસપાસ રમશે. પછી તો તારી આસપાસ હશે આભલા ભરેલો હરખ-હરખ.’ દાદાએ પોતાના લાંબા—પહોળા હાથ ફેલાવ્યા. એ જોતાં શ્લોકની આંખોમાં ચમક—ચમક.
‘હૈં દાદા, આટલો બધો મળે હરખ—હરખ.’
‘હા બેટા હા. ખુશ રહેવાનું ને બીજાને ખુશ રાખવાના.……. એટલે આભ ભરેલો હરખ-હરખ. જો આભના તારલાઓ પણ એ વાતે કરે ટમક-ટમક……
ને દાદાના ખોળામાં બેઠેલો શ્લોક હરખ સાથે આભમાં જોતો જ રહ્યો.
Leave A Comment