એક હતું કબૂતર ને એક હતી ચકલી.
બન્ને આવીને બેસે.
શિવમના ઘર આગળ બાંધેલા હીંચકા ઉપર.
ચકલી બોલે ચીં.. ચીં.. ચીં ને કબૂતર બોલે ઘુ….ઘુ..ઘુ.
શિવમની બા બોલ્યાં, ‘બેટા, આપણા ચકલીઘરમાં ચકલીઓ આવે છે હોં.’
‘હા બા, જો ને કેવી ઊડાઊડ કરે છે તે.’
‘વાહ ભાઈ વાહ!’
‘ને બા, એ કેવું મીઠું-મીઠું બોલે છે! મજાનું ચીં… ચીં.. ચીં.’
‘હાસ્તો ભાઈ, મીઠા બોલા સહુને ગમે.’
‘પણ બા, આ કબૂતર છે ને તે બહુ અવાજ કરે છે. એ બહુ ગંદું છે. જુઓ, આ હીંચકો બગાડ્યો ને આ ઓટલો પણ. આવું ગંદું કંઈ કરાય?’
‘ના…ના… હોં, ગંદું ન કરાય. પણ એને કોણ સમજાવે?’
‘બા, હું એને સમજાવું?’
‘સમજાવી જો.’
શિવમ કહે, ‘એ કબૂતર, આમ ગંદકી કેમ કરે છે?’
પણ કબૂતર કંઈ સમજે? એ તો ઘુ… ઘુ… ને ઘુ.
એનો અવાજ સાંભળીને શિવમે કર્યું, ‘થુ… થુ…થુ…’
બેટા, એ કશું ન સમજે.’ વાત આમ ચાલતી હતી ત્યાં આવ્યા શિવમના પપ્પા. શિવમના પપ્પાએ કહ્યું, ‘અહીં કબૂતરજાળી બાંધવાની છે.’
‘પપ્પા કેમ? એ બહુ ગંદુ ગંદું કરે છે એટલે?’
‘હા બેટા.’
‘બા, આ તે કેવું? ચકલી માટે ચકલીઘર લાવીએ. ને કબૂતર ન આવે એટલે જાળી બાંધીએ?’
‘બેટા, મીઠા બોલી ચકલી તને ગમે છે ને?’
‘ચકલી કબૂની જેમ ગંદકી નથી કરતી ને?’
શિવમે બન્ને હાથ હલાવતાં કહ્યું, ‘ના… ના’
‘તો મીઠાબોલા સહુને ગમે તેમ ચોખ્ખાઈ પણ સહુને ગમે.’
લેખક : ગિરા પિનાકિન ભટ્ટ
Leave A Comment