રાત પડી.
ટમટમતા તારા દેખાયા.
મરક-મરક મલકાતા ચાંદામામા દેખાયા.
બંસરીએ આકાશમાં જોયું. ચાંદામામા સામે જોઈને બોલી, ‘ચાંદામામા, તમારી કિટ્ટા.’
ચાંદામામા બોલ્યા, ‘એવું કેમ, બંસરી?’
‘તમે છે ને સૂરજદાદા જેવું અજવાળું નથી દેતા ને એટલે.’
‘અરે! હું સૂરજદાદા જેટલું અજવાળું ન દઈ શકું. કારણ કે હું ખુદ સૂરજદાદા પાસેથી અજવાળું લઉં છું ત્યાં. પૂછી જો તારા દાદાને.’
‘તમે ખોટું બોલો છો.’
‘ના બંસરી ના. એ તો જેનું કામ જે કરે. પૂછ તારી દાદીને.’
‘એવું હોય ના.’ ને એ ઘરમાં જતી રહી.
દિવસ થતાં ગરમી વધી. બંસરી અકળાઈ. સૂરજદાદા સામે તો જોવાય જ નહીં. ઘરમાં બેઠાં—બેઠાં કિટ્ટા કરતાં કહ્યું, ‘જાવ સૂરજદાદા, તમારી પણ કિટ્ટા. તમે તો બહુ ગરમી કરો છો.’
‘અરે! મારે તપવું પડે, ને બધું અજવાળવું પણ પડે.’
‘એવું ન ચાલે. ચાંદામામા જેવા જરાક ઠંડા થાવ ને.’ સંધ્યાબા વિચારવા લાગ્યાં. આ બંસરીએ સૂરજદાદા ને ચાંદામામાની કિટ્ટા કરી. આમ કદી કરાય ના. બંસરી પાસે આવી એ બોલ્યાં, ‘બંસરી, તું મોર જેવું નાચી-નાચી કર ને.’
‘એના જેવું નથી થતું.’
‘કંઈ વાંધો નહીં, તું કાબર જેમ દોડા-દોડી કર ને.’ બા બોલ્યાં.
‘એમ પણ નથી થતું.’ રડમસ થતાં બંસરી બોલી.
‘કંઈ વાંધો નહીં, તું ચકલીની જેમ ઊડાઊડ કર ને.’
‘બા, એવું પણ નથી થતું.’
‘બસ દીકરી, કાનાએ બધાંને અલગ—અલગ બનાવ્યાં છે. સૂરજદાદા દિવસે એમને સોંપેલું કામ કરે છે. ને રાત્રે ચાંદામામા એમનું કામ કરે છે. એમ તારે પણ કરવાનું તારું કામ. આમ ખોટી-ખોટી કોઈની કિટ્ટા થાય ના.’
સાંજ પડી, બંસરી તરત બહાર દોડી ગઈ. ‘સૂરજદાદા હવે કિટ્ટા નહીં કરું હોં. મેં તમારી બુચ્ચા કરી દીધી છે. તમે કાલે વહેલા આવી જજો. અને હા, ચાંદામામાને પણ કહેજો કે બંસીની બુચ્ચા છે.’ બંસીની વાત સાંભળીને આભે તારા મલકાયા.
લેખક : ગિરા પિનાકિન ભટ્ટ
Leave A Comment